॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
આ ભજન બોલવામાં, ઉત્તમોત્તમ, ભાવનાથી, હૃદયના ભાવ પ્રેરણા થાય તે રીતથી બોલવાની છૂટ રાખી છે, સંપૂર્ણ શ્રધ્ધાયુક્ત મનનીય, સમદૃષ્ટિના યોગનું ભજન છે.
રક્ષણ કરી પ્રભુ ધ્યાન જ રાખે, પ્રેમ પ્રકાશ બતાવે રે,
સ્નેહ વધારી વિશુદ્ધ ભાવે યુગોયુગ નિભાવે રે ટેક …. ૧
પાલનકર્તા સૌના ભર્તા. પ્રેરક સતના દાતા રે,
દિવ્ય કર્મનો ગર્વ ન રાખે, જોડીનો બીજા ન મળતો રે …. ર
જગત ઋણી છે સદા પ્રભુનું, બદલો કદી નહિ માગે રે,
ઉપકાર વધારે કર્યા જ કરતા, કરુણા સદા વર્ષાવે રે …. ૩
ભૂત, ભવિષ્ય ને વર્તમાનના, પ્રાણી માત્રને જાણે રે,
લક્ષ જ રાખે રાત-દિવસ ને, સૌને પ્રેમ જગાડે રે …. ૪
જો ન જગાડે પ્રભુ કોઈને, કોઈ ઊઠી નથી શકતું રે,
એવો રોજ અનુભવ સૌને, છતાં પ્રભુને ભૂલ રે …. પ
એવાને નથી કહેવું અમારે, સમજી ભૂલ સુધારે,
બુધ્ધિ યોગને પ્રભુ જ આપે, ધામમાં પોતે રાખે રે …. ૬
અમૃત તણી પરબો માંડીને, અમર સૌને બનાવે રે,
ભાવ વિનાશી કાઢી નાખે, અવિનાશી ભાવ જગાડે રે …. ૭
જીગત વિશાળ કહે છે જેને, એક અંશથી ધરતા રે,
એવી અદ્ભૂત મહાન શક્તિ, પ્રભુ વિના નથી મળતી રે …. ૮
એની દિવ્ય દૃષ્ટિના તેજે, પ્રભુ જો અંજન આજે રે,
અજ્ઞાન પડદો દૂર જ કરીને, સત્ય જ્યોત જગો રે …. ૯
પ્રકાશ દેતાં કદી ન થાકે, કિંમત કદી નહિ માગે રે,
એના બનીને રહેવું સૌને, એ નિશ્ચય દૃઢ કરવો રે …. ૧૦
રાગદ્વેષ ને તૃષ્ણા સાથે, પ્રેમ કદી નથી કરવો રે,
શ્રધ્ધા અડગ પ્રભુ વચને રાખી, પ્રભુ કહે તેમ કરવું રે …. ૧૧
જાગૃત સ્વપ્ન સુષુપ્તિ છોડી, સમતા યોગમાં રહેવું રે,
વાસના મલિન સદાની
બાળી, નિર્ભય આનંદે તરવું રે …. ૧ર
શંકા કોઈએ કદી ન કરવી, પ્રભુ કહે સૌ સાચું રે,
એની શાંતિ સદાય સૌને, ભયના સ્થાનને તજવા રે …. ૧૩
પ્રાણને જાડે, પ્રાણને તોડે, પ્રાણના પૂર્ણ જ્ઞાની રે,
પ્રભુ કળામાં શિખરે રહેતા પ્રભુ સૌ કળાના દાની રે …. ૧૪
સર્વેભાવથી શરણ પ્રભુનું, નિષ્ઠા રાખી લેવું રે,
સૌનું કલ્યાણ એમાં સાચું, અખંડ ધ્યાન જ ધરવું રે …. ૧પ
॥ ૐ ॥