॥ ૐ ॥
અમો કહેતાં એ પહેલાંથી અમારું ધ્યાન રાખે છે,
પ્રભુ રાખીને સમદૃષ્ટિ, વહાલો જ્ઞાન આપે છે.
ઘણી ઊંડી સમજદારી, ભરીને સાન લાવે છે,
છતાં અળગા પડી જઈને, અલગ જીવ ભાવ આવે છે.
અવિનાશી તણા ઉપકાર, ગણતાં પાર નહિ આવે,
ગર્વ ધારણ કરી માનવ, ફૂલીને ભાન ગુમાવે.
ઘણી આફત તણાં વાદળ, મૂંઝાવી બુધ્ધિ ભરમાવે,
મહાન અચળ બળધારી, પ્રભુનું શરણ સહુ ભાવે.
હૃદય દોષ બાળીને, સત્ય માર્ગ બતાવીને.
અભયતા, પ્રાણબળ આપી, અંતર સમૂળું હઠાવીને,
ઈચ્છાશક્તિ સફળ કરીને, જીવન સુંગધ ભરી દઈને.
અમર વિજયી સદા રહેતા, નિશ્ચય બળ આપનું ભરતા,
યુગોના ભોમિયા જૂના, હૃદયમાં પ્રેરણા દેતા.
મોહ, શોક, ભ્રમ નહિ આવે, આનંદ ને શાંતિના દાતા,
સ્થિરતા, ધીરતા, સંતોષ, વીરતા, ઐક્યતા ધરતા.
વિકારી દોષ સહુ બાળે, સંયમ નિષ્ઠા જ શુભ આપે,
કઠિન કર્મો તણા દોષો, પ્રભુજી પલકમાં કાપે.
સતત પ્રેમભરી શ્રધ્ધા, નિષ્ઠામાં ઢીલ નહિ આપે,
પરમ પૂર્ણતા અમૃત દૃષ્ટિ, આપીને હૃદયમાં સ્થાપે.
॥ ૐ ॥
અમો કહેતાં એ પહેલાંથી અમારું ધ્યાન રાખે છે,