॥ ૐ ॥
શક્તિ મળતાં પ્રભુજી આનંદ, અંતર દૂર હઠવો …. રે
ભરતી પ્રેમની રહે ભરપૂર, કૃપા એવી વર્ષાવો …. રે
આપ શાંતિથી અમને સમજાવી દેજો, મલિન હૃદયના દોષોને દૂર કરજો
વિશુધ્ધ હૃદય તમારું, એક જ સ્થાન, દિવ્યતા દીપાવો …. રે
આપ અંતરનો મંત્ર જ સિધ્ધ કરો, અંતર ટાળીને આપના ભાવો ભરો
તમને અઘરું નથી એ કામ, કળાથી સુધારો …. રે
મારા અંતરને તમે જાણો સદા, આઘા રહીને નિહાળો, એ જ આપદા
દિવ્ય દૃષ્ટિથી અમૃત આંખમાં, આપનું ભરજો …. રે
તમારા જ્ઞાનનો ખજાનો, હૃદય ભરો, નિશ્ચય બળવાન આપનો વૃદ્ધિ કરો
થઈ જાયે પલકમાં કામ, અડોલ વૃત્તિ નિરોધનું …. રે
દેહભાવનો ગર્વ સમૂળો ગળે, આપ વ્યાપક જાણીને, આપને મળે
બક્ષિસ આપની કદી ન ભુલાય, ઉપયોગ આપ કરાવો…. રે
અમારે તમને કહેવું નહિ બાકી રહે, લક્ષ પ્રાણની પ્રીતિનું એક જ કહે
પ્રભુ તમને જ દેખું સદાય, દૃષ્ટિ એવી કરજો …. રે
શ્રધ્ધા-વિશ્વાસ અવિનાશી કદી ન ભૂલે, વિનાશી મોહક ભાવ જાઈ નહિ જ ફૂલે
નાશ થતાં ન લાગે વાર, અમર ભાવ દીપાવો …. રે
॥ ૐ ॥