॥ ૐ ॥
અખંડ અનાદિ સત્ય સદાય, યુગોથી એક ચૈતન્ય …. રે
યુગાદિ ગુરુનો ભાવ અવિનાશી, દિવ્ય જ્યોત પ્રકાશી …. રે …. ૧
સૌને સુધારવા અથાગ પ્રયત્ન કરે, હૃદય વિશુદ્ધ એની જ સમજ ભરે,
અખંડ એકતાનો અચળ તાર, પ્રેમ રાખીને સાંધે રે …. ર
એની પ્રેરણા અટલ સિદ્ધાંત કહે, નિશ્ચય બળવાન, દૃઢતા, આજ્ઞામાં રહે,
સંયમ સાથે જ શ્રદ્ધા-વિશ્વાસ, શાંતિ આગમ મતની રે …. ૩
ખોટા ખ્યાલમાં વૃત્તિ કદી ન મળે, સત્ય અમૂલ્ય, પ્રેમ ને ગર્વ ગળે,
જીવન પંથમાં, અખંડ આનંદ આવે, અમર ધામથી રે …. ૪
અંશ-હંસને-કળા અવતાર લીધા, સમય પ્રમાણે કૃતિના વિસ્તાર બધા,
અનંત કૃતિઓના વિચિત્ર ભંડાર, સુધારો તારો સાચો રે …. પ
ખંત રાખીને ઉમંગ ભરતો રહે, તારી કૃપાથી અમૃત આંખમાં વહે,
હૃદય તારા જ રંગમાં તરબોળ, દૃષ્ટિમાં તમને ભાળું રે …. ૬
તારી દૃષ્ટિથી દૃષ્ટિમાં દોષ નહિ, નિર્ભય તારા જ પ્રેમની ભરતી રહી,
વૃત્તિ તારાથી અળગી ન થાય, અભય હિંમત મળતી રે …. ૭
કેવળ કૃપા નિધાન, કૃપાના બળે, અવિનાશીનો અમર ભાવ મળે,
મહાભાવનો ભાવિત પ્રાણ, શ્વાસેશ્વાસે તું હી … કહે રે …. ૮
તુંહી તુંહીનું ગુંજન સદાય ગુંજે, એના મીઠા સ્વરોમાં માર્ગ સૂઝે,
શક્તિ ને ભક્તિનો અખૂટ ભંડાર, કદી નહિ ખૂટે રે …. ૯
મારવા તારવાનો પ્રશ્ર ઊકલે, બીજાનું હૃદયે નહિ સ્થાન મળે,
રક્ષા કવચ વજ્ર સમાન, અમર અવિનાશીનું રે …. ૧૦
કાળની, ફાળથી કદી નહિ ડરશે, અવિનાશીથી આત્માનું બળ મળશે,
મહાન અવિનાશી વીર્યવાન, સર્વના વિધાની રે ….. ૧૧
॥ ૐ ॥