॥ ૐ ॥
(રાગ : ખમાજ)
અનંત યુગથી જગતમાં, ભ્રમણ કરવું શરૂ કર્યું,
નવ મળ્યો અનુભવ આટલો, નિંદાથી મનડું નવ ફર્યં,
મોજા ઉડાવી તે નકામી, કીર્તિ અવિચળ નવ કરી,
કેમ જીવવું ! કેમ મરવું ! તેની સમજણ નહિ ધરી …. કેમ ૧
નવ હાથથી તેં દાન દીધાં, અન્ન-વસ્ત્ર ન આપ્યા,
વાવ- કૂવા – ધર્મશાળા, કરી ન સંકટ કાપ્યાં,
ફસાઈ જઈને લોભમાં , તૃષ્ણા તો ભારી બહુ ભરી …. કેમ ર
ગીતા તણો અભ્યાસ કરીને,શ્લોકને મોઢે કર્યા,
પણ શોકને છોડવો નહિ, વાતનાં જ વડા કર્યા,
પ્રીતિ કીધી દેહ સાથે, તેમાં તો દુર્ગંધ ભરી …. કેમ ૩
અવ્યક્તમાં તે જઈ મળ્યો, તું શોક શાને લાવતો,
અમર આત્મા છે સદા, તેં વાત તો સાચી કરી …. કેમ ૪
દેહ સદાય નાશ થાશે, અંત તેનો આવશે,
વાત સૌ સાચી છતાં, અંતે ન તેને પાળશે,
ત્રણ ગુણોનાં બંધન માંહી, અનેક ઈચ્છાઓ ભરી …. કેમ પ
ક્રોધ શત્રુ જ્ઞાનનો, સમજ્યા છતાં છોડવો નહિ,
વધારી દીધી વાસના, નવ આવી ભક્તિ હૃદયમહી,
મોક્ષની વાતો કરતા, દુઃખથી જાતો ડરી …. કેમ ૬
વિદ્યા – અવિદ્યામાં ભૂલીને, તર્કજાળ બિછાવતો,
મોટો બનીને બ્રહ્મજ્ઞાનની, વાતથી બીવરાવતો,
અનંત ઈચ્છાઓ તજીને, દૈવી ગુણથી જા તરી …. કેમ ૭
રાગદ્વેષ વધારી દઈને, અભિમાને ફૂલતો,
દેહાધ્યાસ મૂક્યો નહિ ને તું રહ્યો છે ભુલતો,
ડૂબવા તણાં કર્મો કીધાં ને ઈશ્વર ભજનની ભૂલ કરી …. કેમ ૮
સ્થિતપ્રજ્ઞ નવ બન્યો, વિવેક ત્યાગી વિચર્યો,
વિષય તણો ભોગી બનીને, મોહથી નવ ઊગર્યો,
તપ-ધ્યાન કરવા ભાવ ભૂલી, કઠોર વાણી વાપરી …. કેમ ૯
મન સ્થિર કરવા શાંતિ ધરવા, આત્મભાવ જગાવજો,
ત્યાગી ફળની આશ, નિર્વિકારી જીવન બનાવજો,
જગતને રિઝાવવા, મહેનત ખોટી આદરી …. કેમ ૧૦
માનવશરીર અણમૂલ સમજી, ધ્યાન પ્રભુનું નવ ધર્યુ,
જન્મી જગતમાં ભારરૂપે, સારું કોઈનું નવ ધર્યું,
વેર રાખ્યું દિલ વિશે, સમાનતા ત્યાગી ખરી …. કેમ ૧૧
સર્વ શક્તિમાન પ્રભુની, બાંધ અમર રાખડી,
પ્રભુ ભજન કરવા તણી, લીધી તે તો આખડી,
છળકપટથી ભાન ભૂલ્યો, શિર ઉપાડ્યો તેં ગિરિ …. કેમ ૧ર
બુદ્ધિ-મન સોંપી, વિભુને કર્મ કરતાં ના શીખ્યો,
જ્ઞાન સાચું મેળવી, નવ સંતને ચરણે નમ્યો,
સ્વાદને વશ બની જઈને, વાણી નિર્મળ નવ કરી …. કેમ ૧૩
માયાનાં પૂરમાં સુખ માન્યું, મેલું હૃદય તેં તો કર્યું,
ગુરુતણો વિશ્વાસ રાખી, ધ્યાન પ્રભુનું નવ ધર્યું,
દયા-ધર્મ ન છોડતો, કહે છે સૌ ભક્તો ફરી …. કેમ ૧૪
॥ ૐ ॥
અનંત યુગથી જગતમાં, ભ્રમણ કરવું શરૂ કર્યું,