॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
પ્રભુથી વિમુખ જે રાખે, તેવું જ્ઞાન નકામું …. રે
અંતર ઊલટું મલિન બને, તે રાગે નવ રોળાવું…. રે ટેક
અંધારામાં સદાય રાખે, ભવસાગર ભટકાવે …. રે
કામ-ક્રોધ ને લોભે લટકી, તૃષ્ણા તનને બાળે …. રે ૧
વેદ ભણીને મોઢે રાખે, આચરણમાં ખામી …. રે
તેવા નર ચોર્યાસી ભટકે, ટળે નહિ ઉપાધિ …. રે ર
નિંદા કરવા ખંત જ રાખે, કામ પોતાનું છોડી …. રે
એવા નરના દૃષ્ટ કામમાં, સળગે નિત્ય હોળી …. રે ૩
વિદ્યા મેળવી, ગર્વ કરે ને હલકા સૌને ગણતા …. રે
મોક્ષનું સાધન મૂકી દઈને, ભજન કદી નહિ કરતા …. રે ૪
વાતોમાં છેતરનારાનો, બન્યો છે પંથ બહુ ન્યારો …. રે
પરમ કૃપાળુ દયા કરે તો, ઊગરવા મળે આરો …. રે પ
તન-મન-બુદ્ધિ સોંપી પ્રભુને, જેમ રાખે તેમ રહેવું …. રે
અકળ ગતિ છે ઈશ્વર તણી ત્યાં, સુખદુઃખ ભોગવી લેવું …. રે ૬
હળીમળી આનંદે રહેવું, સ્મરણ પ્રભુનું કરવું …. રે
દોષ ભૂલીને ક્ષમાવૃત્તિથી, કડવું વેણ ન કહેવું …. રે ૭
ધ્યાન પ્રભુનું ધરવું નિશદિન સદ્ગુરુ વચનને પાળી …. રે
મળશે પ્રભુજી જરૂર તમને, રહેજો શ્રદ્ધા ધારી …. રે ૮
પ્રભુ વિનાનું સ્થળ નથી ખાલી, તેની સઘળી રચના …. રે
તેને ભૂલી અવળા માર્ગમાં, શાને જાવું ભટકવા…. રે ૯
વિવેક ને વિચારની શુદ્ધિ, સંયમ સાચું સાધન …. રે
તેના વિના સત્ય નહિ ભાસે, ભજનમાં પ્રીત દો જાડી …. રે ૧૦
સૌ ભક્તો કહે નમન કરીને, ભક્તિ અવિચળ આપો …. રે
હૃદય થકી અળગા નહી રહેશો, પાપ અમારાં કાપો …. રે ૧૧
॥ ૐ ॥
🕉️જય સદગુરૂ 🙏