॥ ૐ ॥
અમર બ્રહ્મની નિષ્ઠા અમર, દિવ્યતા પ્રકાશ,
અમર પ્રાણ વિશૃદ્ધિ અમર પૂર્ણાનંદ વિકાસ ….૧
બ્રહ્મ દૃષ્ટિમાં સ્થિર, સહજ ભાવથી ગણાય,
જાવું આવવું-ચડવું પડવું, સઘળું ભુલાય ….ર
બ્રહ્મ નિર્દોષ-નિર્મળ, વિકાર કદી ન જણાય,
નીરવ શાંતિથી આત્માની, ભાષા સમજાય ….૩
દેહભાવ રાખીને, જડતા દૂર ન કરાય,
ગર્વ દેહનો છૂટતાં, વાસના મુક્ત થવાય ….૪
અબજો આપી ધનથી, બ્રહ્મમાં નિષ્ઠા ન પમાય,
નીરવ શાંતિ બ્રહ્મની, તર્કથી માપી ન મપાય …. પ
ભયની લઘુતા ગ્રંથિ, તેનાથી સત્ય ઢંકાય,
અવિનાશી રાખીને અમૃત સહેજે પમાય ….૬
ભંડારો, અનાજ-પ્રાણને, કદી ન તૃપ્તિ જણાય,
પ્રાણને ખાતાં પોષણ, એનાથી સાચું ન ગણાય …. ૭
સાર્થક પ્રાણની પ્રિયતા, લક્ષ બ્રહ્મમાં સદાય,
પ્રાણને બ્રહ્મ નિષ્ઠાથી, બ્રહ્મમાં સત્ય મળાય …. ૮
બ્રહ્મનિષ્ઠા પાકી પ્રાણનું જીવન ગણાય,
તેનાથી અલગ થાવું, પ્રાણને ગોઠે ન જરાય …. ૯
જગત આઘાત એવો, પ્રાણ નિર્બળ લાચાર,
બ્રહ્મનો સંઘાત આપે, પ્રાણને અનાદિ સંસ્કાર …. ૧૦
પરકાય પ્રવેશ સૂક્ષ્મ, અનંત જીવ ભળાય,
મલિન વિદ્યા ચલાવે, પવિત્ર સરળ મૂંઝાય ….૧૧
ભ્રમથી બચવા બ્રહ્મની, જ્યોતિ પ્રકાશે સદાય,
બ્રહ્મનું બળ મળતાં, પ્રાણની જાગૃતિ સહાય ….૧ર
બ્રહ્મ તુંહી તુંહી પ્રાણનો, સદાય એ જ પોકાર,
કેવળ બ્રહ્મ હૃદયમાં, બીજા નહિ વિચાર …. ૧૩
જગના ગ્રંથોથી અધિક, વિશાળ આત્મજ્ઞાન,
અમર આત્માની પ્રેરણા, ગ્રંથોથી અધિક છે સાન ….૧૪
ત્રણે કાળમાં ચિત્તનું ચિત્ર, અમારું નહિ ગણાય,
એવા ચિત્તનો ચોપડો, અમારો ફાટેલો જણાય ….૧પ
નવીન ચિત્રો બનાવી, ગાંડા કરવા વિચાર,
મોહજાળ બિજાવી, આનંદ લેવો છે અસાર ….૧૬
પ્રાણ લેવો હોય તો બ્રહ્મમય બન્યો છે પ્રાણ,
બ્રહ્મદૃષ્ટિ અચળ છે, પ્રાણ જતાં નથી હાણ ….૧૭
જીવનદર્શનની પ્રેરણાદાયક હૃદયનું ભજન અમર પ્રાણ પ્રભુના ભાવથી ભાવિત થયેલો પ્રભુની ઉત્તમમાં ઉત્તમ બક્ષિસ છે તેને જ પ્રભુની અમર દૃષ્ટિ મળે છે.
॥ ૐ ॥
અમર બ્રહ્મની નિષ્ઠા અમર, દિવ્યતા પ્રકાશ,
અમર પ્રાણ વિશૃદ્ધિ અમર પૂર્ણાનંદ વિકાસ ….૧