॥ ૐ ॥
શ્રીકૃષ્ણના પૂર્ણ રંગમાં જ, રંગાઈને તેમાં મળવું
પ્રાર્થના
રંગ આપો, રંગ આપો, રંગ આપો રે
શ્રીકૃષ્ણ પ્રભુ-પ્રેમથી, આપનો રંગ આપો રે ૧ ટેક
હૃદય રહે છે વાસ આપનો, હૃદય આપ જ રંગો,
આપથી ક્ષણ નહિ જુદા થાવું, સાચા રંગમાં રંગો,
વિશુધ્ધ આપના પ્રેમથી ભરતી, ઉમંગ વધારો રે (ર) શ્રીકૃષ્ણ પ્રભુ
આપને સઘળે વ્યાપક જાવા, આપની દૃષ્ટિ આપો,
અર્જુનને વિશ્વરૂપ બતાવ્યું, એનાં દર્શન આપો,
આપને પ્રગટ જાઈ શકીએ, દિવ્યતા સ્થાપો રે (૩) શ્રીકૃષ્ણ પ્રભુ
જગદ્ગુરુ છો આપ અનાદિ, આપ કેળવણી સાચી,
ઋષિ-મુનિ મહર્ષિ સહુમાં, આપની રક્ષા સાચી
કેવળ કૃપાનિધાન આપ છો, કૃપા વરસાવો રે (૪) શ્રીકૃષ્ણ પ્રભુ
આપ જ્ઞાનનું પોષણ એવું, સૌના હૃદયો રંગતું,
પ્રગટ આપનાં દર્શન કરવા, બીજે ક્યાંય ન મળતુ,
ભૂત- ભવિષ્ય ને વર્તમાનનું જ્ઞાન જ સાચું રે રે (પ) શ્રીકૃષ્ણ પ્રભુ
આપના મુખની વાણી ગીતા, અનેક મુક્ત બનાવ્યાં,
આપ સંગનો રંગ આપીને, જીવન દિવ્ય દીપાવ્યાં,
જગતમાં સૌ નાનામોટા ગીતા ચાહે રે (૬) શ્રીકૃષ્ણ પ્રભુ
જ્યોતિ આપની અનેક યુગથી, પ્રકાશ દેતી રહે છે,
જ્ઞાન ગર્વથી રહિત આપનું, વાસના મુક્ત કરે છે,
કર્મ-ભક્તિ-જ્ઞાન-યોગનો માર્ગ બતાવ્યો રે (૭) શ્રીકૃષ્ણ પ્રભુ
ગીતા જ્ઞાનની અમૃત પરબો, આપની યુગો જૂની,
જ્ઞાની-ધ્યાની-યોગી-ભક્તો, તાર્યા સાક્ષી એની,
અંતરયામી પ્રેરણા દઈને, પ્રગટ રહેજા રે (૮) શ્રી કૃષ્ણ પ્રભુ
ઘડનાર ભાવિના આપ જ, ત્રિકાળ જ્ઞાની પૂરા,
સંપૂર્ણ પૂર્ણાનંદ પૂર્ણ છો, પૂર્ણ જ કરવા શૂરા,
આત્મજ્ઞાનનો ગુપ્ત ખજાનો, આપ બતાવો રે (૯) શ્રીકૃષ્ણ પ્રભુ
પ્રાણ અમારો પૂર્ણથી આવ્યો, પૂર્ણનું પોષણ લેતો,
જીવન-મરણના સાચા સાથી, આપના શરણે રહેતો,
સર્વ ભાવથી શરણ તમારું, સૌને પ્યારું રે (૧૦) શ્રીકૃષ્ણ પ્રભુ
॥ ૐ ॥