॥ ૐ ॥
પ્રાણથી પ્યારા, પ્રભુ આવો, કનૈયા, ભીતર દીપાવો …. ટેક
ભીતર આવો તો પ્રભુ થાયે અજવાળાં,
તમારા વિનાના પ્રભુ રાહ ભૂલવાળા,
પ્રભુ સાચા તમો છો રખવાળા …. ૧ કનૈયા
વિશ્વમાં સઘળે આપ છુપાણા,
નજર ચુકાવી પ્રભુ જ સંતાણા,
જગતમાં બધા મૂંઝાણા …. ર કનૈયા
વિશ્વ આખાને થાળ તમે જ જમાડો,
પ્રાણમાં બળ ભરી તમે રમાડો,
ભક્તિના ભાવમાં બંધાણા …. ૩ કનૈયા
ઈન્દ્રિયો મન ને બુદ્ધિ તમારાં,
આપના રાહમાં સદા ચાલનારા,
અવળા માર્ગે ન જનારા …. ૪ કનૈયા
તમારાં દર્શન કરવા પ્રાણને રાખ્યાં,
ભરોસો રાખીને પ્રાણ નિર્ભય બનાવ્યા,
વહાલપ વધારી પ્રભુ આવો …. પ કનૈયા
સઘળું તમારું પ્રભુ, તમને સોંપવું,
અમારું ન કાંઈ ગર્વ રાખી નથી ફૂલવું,
પ્રભુ પ્રેમના ભંડાર પધારો …. ૬ કનૈયા
આપ પ્રસાદ મળે પાવન કરનારો,
જીવન રંગીને પ્રભુ ભક્તિ ભરનારો,
પવિત્ર સૌને કરનારો …. ૭ કનૈયા
વૃત્તિ અખંડ પ્રભુ આપમાં રહેવું
આપ જાણો છો શું આપને કહેવું ?
દૃષ્ટિને દિવ્ય બનાવો …. ૮ કનૈયા
નૂરતા ને સુરતા આપની આપો,
કાલાઘેલા શબ્દોમાં પ્રેમ જ સ્થાપ્યો,
આપની પાસે પ્રભુ રાખો …. ૯ કનૈયા
જ્ઞાનનો ભંડાર તમે આપનારા,
જ્ઞાનથી વિશ્વનો, વિકાસ કરનારા,
ત્રિકાળ જ્ઞાની પ્રભુ પૂરા …. ૧૦ કનૈયા
સાન ને ભાન, પ્રભુ શાંતિ દેનારા,
સમજ ભીતર પ્રભુ આપ ભરનારા,
પૂર્ણમાં આપ જ સમાવો …. ૧૧ કનૈયા
॥ ૐ ॥