બ્રાહ્મણ કુળની ને આદિ એ મૂળની

॥ ૐ ॥


બ્રાહ્મણ કુળની ને આદિ એ મૂળની,

બ્રહ્મ તેજથી દીપાવી જ્યોતિ સતની,

 પ્રાણ શુધ્ધ, ગર્વ ગાળી, વાસના બાળીને,

રાગ દ્વેષ તજી, અખંડ પ્રેમ વધારીને …. ૧

 

બ્રહ્મભાવથી હૃદય જેનું, ભીંજાણું એવું,

બ્રહ્મભાવ શ્રધ્ધા-સંયમ, સમતામાં રહેવું,

મંથન આત્મજ્ઞાન ખાતર, સાચી એક શોધમાં,

વેદ શાસ્ત્ર​નો સાર, વૃત્તિ વાળી ભીતરમાં …. ર

 

સ્થિરતા અચળ, પૂર્ણનો સંદેશો સીધો,

પૂર્ણતાનો સમજીને, માર્ગ ઉત્તમ લીધો,

પૂર્ણમાંથી આવ્યા, પોષણ પૂર્ણનું લઈને,

પૂર્ણતામાં એક થાવું, સંપૂર્ણ પૂર્ણ રહીને …. ૩

 

જન્મને કર્મની દિવ્યતા, અમર દીપાવી આપે,

અવિનાશી ભાવ આપનો, દેહની જડતા કામે,

ચૈતન્ય રંગથી રંગાઈ, ચૈતન્ય ભાવ જગાડવો,

યુગોનાં અંધારા ટાળી, સાચો રાહ બતાવવો …. ૪

 

ધન્ય તમારાં માતા-પિતા, કોટિકોટિ વંદન કરીએ,

ભક્તિ-યોગ-જ્ઞાન તપમાં નંબર પહેલે રહીએ,

ઊર્ધ્વ ગતિથી પ્રાણનો, બ્રહ્મસંબંધ રાખવો,

મોહ-શોકથી દૂર રહી, ભીતર પ્રેરણા સાચવો …. પ

 

મંત્રબળથી દેવી-દેવતા પ્રગટ બોલાવ્યાં,

દર્શન દઈ વાતો કરતા, જીવન શુધ્ધ બનાવ્યાં,

કર્મ શું કરવું ન કરવું, વાદવિવાદ તજતા,

હાથની હથરોટી એવી, સાચું ગ્રહણ કરવા …. ૬

 

સ્થિરતા બુદ્ધિની, સાથ શાંતિનો રાખતા,

ખોટી વસ્તુ મેળવવાની ઈચ્છા કાઢી નાખતા,

સંતોષી, તૃષ્ણાત્યાગી લોભને તજતા,

વૃત્તિને અડોલ બનાવી, બ્રહ્મ સંબંધ બાંધતા …. ૭

 

પાયાની કેળવણી, પાયામાં ધર્મસિંચન સતનું,

સત બીજનું વૃક્ષ ફળતું, ભાવિ જ્ઞાનામૃતનું,

જ્ઞાનવિજ્ઞાન તૃપ્તં બની તૃપ્ત કરતા,

અમર લખાણા લેખો, પ્રેરણા ઉત્તમ ભરતા …. ૮

 

તમારી વાણીથી ગજગજ છાતી ફુલાતી,

ધન્ય ધન્ય દિવ્ય જીવન, વિશુદ્ધ પ્રેમ ભરતી,

દિવ્ય દૃષ્ટિથી અમી ભરેલી, આંખ સહુની ઠારતી,

યુગોના અંધારા ટાળી, અમૃત સિંચન કરતી …. ૯

 

ઉત્તમ અવસર જન્માષ્ટમી, એકતા કરવા આવ્યો,

રાગ-દ્વેષ છોડી હૃદયથી, હૃદય તાર બાંધી લો,

ઘણાં વર્ષો વીત્યાં, દેશપરદેશ, જ્ઞાન જ્યોતિ દીપાવી,

ઢંકાયેલી જ્યોતિ, ઘણાં વર્ષોની, ફરી શોભાવી …. ૧૦


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.