॥ ૐ ॥
(ધૂન)
(ભજન) ર
જય ગિરધર ગોપાળ, જય જય ગિરધર ગોપાળ
પ્રેમથી નિહાળું જય જય, હૃદયના વિશાળ- જય …. (૧)
ભક્તિના ભાવોથી તરબોળ, પ્રાણથી પ્યારા (ર) પ્રભુ
પ્રેરણા તમારી ભરજો, રહેવું નથી ન્યારા – જય …. ૨
ભૂલને ભાંગી અમારી રાખજો સાથમાં (ર) પ્રભુ
સુધારો ધ્યાનથી કરો છો, આપના હાથમાં – જય …. ૩
સમજ આપની બેસાડો, અંદર ઊંડાણમાં (ર) પ્રભુ
રોમરોમમાં રમનારા, એક જ ધ્યાનમાં – જય …. ૪
આપની કૃપામાં સઘળું, રૂપાંતર બનતું (ર) પ્રભુ
પ્રગટ થવું ને અદૃશ્ય, કોઈ નથી કળતું – જય …. ૫
મીરાંનો વિરહનો અગ્નિ, આંખથી આંસુ વહે (ર) પ્રભુ
અચળ પ્રેમમાં મીરાંના, ગિરધર ગોપાળ રહે …. ૬
॥ ૐ ॥
મેવાડ દેશના મેડતા સ્થાનમાં મીરાંનો જનમ વિ.સં. ૧પપપ લગભગ થયેલો, નાની ઉંમરમાં એની માતાનો સ્વર્ગવાસ થયેલો.મીરાંના પાલનપોષણનો ભાર તેના દાદાજી રાવ દુદોજી પર પડેલો.દુદોજી પરમ વૈષ્ણવ હતા. મીરાંંના સંસ્કાર શ્રીકૃષ્ણ પ્રેમમાં ઓતપ્રોત હતા. નાની ઉંમરથી મીરાં ઠાકોરજીની સેવા માટે પુષ્પ લાવતાં, ખૂબ જ પ્રેમથી ઠાકોરજીને ફૂલનો હાર બનાવીને આનંદથી પહેરાવતાં. ભગવાનને શ્રૃંગાર પહેરાવીને કાલી ભાષામાં બોલતાં, પ્યારથી બીજાને સમજ ન પડે તેવી કાલી ભાષામાં બોલતાં, સવાર થતાંની સાથે ઠાકોરજી સિવાય બીજી કોઈ વાત જ નહિ. તેવા પ્રેમમાં મસ્ત ન બીજી વાતો સાંભળવી, જ્યારે દાદાજી ભગવાનની ષોડશોપચારે પૂજા કરતા હતા. ત્યારે મીરાં એક જ સ્થિર દૃષ્ટિ રાખીને ભગવાનને જ નિહાળે છે.જેને નિર્દોષ ભાવના અને પ્રેમમાં હૃદય તરબોળ રહે છે તેની પ્રેમની ભરતી અદ્ભૂત વૃદ્ધિ પામતા ભક્તિના સાચા રાહમાં તીવ્ર ગતિથી વિરહની વેદના, આંખમાંથી આંસુની અખંડ ધારા પરમાત્માને પ્રગટ કરવાની કળા-હૃદયનો તાર બાંધીને-ગિરધર ગોપાળની મસ્તીમાં – ખાવું – પીવું વગેરે દેહભાવ ભૂલીને – મીરાં ગિરધર ગોપાળને રિઝાવે છે.
॥ ૐ ॥