રસનાનું રટણ ગિરધર ગોપાળ છે

॥ ૐ ॥

 (પ્રિયતમ રાસ)

(ભજન) ૧ર


રસનાનું રટણ ગિરધર ગોપાળ છે,

મીરાંની જીભનો સાચો એ સ્વાદ છે,

બોલમાં બંધાણો ગિરધર ગોપાળ છે,

દોડી દોડી આવતા હૃદયમાં વાસ છે. …. રસનાનું ૧

મીરાંના બોલનો તોલ જાણનાર છે,

તોલની કિંમતમાં બધું જ દેનાર છે,

અમૂલ્ય ભાવમાં પોતે જ તોળાય છે,

ત્રણે લોક માપનાર પ્રેમમાં બંધાય છે. …. રસનાનું ર

વાણીના શબ્દોમાં ચેતનના ખાસ છે,

ચૈતન્ય દોરનાર મીરાંની પાસ છે,

પાસે રહી મીરાંને પોતે રંગનાર છે,

પાકાર રંગે રંગી, મીરાંને ભક્તિનો રંગ છે. …. રસનાનું  ૩

ભક્તિનો રંગ એની શક્તિનો સંગ છે,

સંગનું આકર્ષણ એમાં અનુભવનો રસ છે,

રસને પીવા યોગી ઋષિમુનિ ચહાય છે.

ચાહના ઘણી, રસથી અળગા થઈ થાય છે. …. રસનાનું ૪

ધન્ય મીરાં જીવનરસ પ્રભુ પોતે પાય છે,

મુગ્ધ મસ્ત મીરાં પછી ભજન એનાં ગાય છે,

સુરતા સુભાગી મીરાંની બીજે ન જાય છે,

દૃષ્ટિમાં ગિરધર ગોપાળ દેખાય છે …. રસનાનું પ

દિવ્ય રૂપાંતર રસમાં ડૂબી જયા છે,

ડૂબે એને નાદ ગિરધર ગોપાળ સંભળાય છે,

નાદ સૂણી ઘાયલ રસમાં પાગલ થાય છે,

એવા પાગલનો પ્રાણ પ્રભુમાં સમાય છે …. રસનાનું ૬

પ્રભુમાં સમાય એની ઊર્ધ્વ ગતિ થાય છે,

ચેતી જાય એની ગતિ કદી ન કળાય છે,

અકળ ગતિના પ્રાણ પ્રભુના થઈ જાય છે,

પ્રભુને સમર્પણ મીરાંનું તમામ છે …. રસનાનું ૭

સર્વસ્વ અર્પનાર મીરાંનો વિશ્રામ છે,

સાચો વિશ્રામ એનું ઊચું જ સ્થાન છે,

ઊંચા એ સ્થાનમાં ત્રિકાળ જ્ઞાન છે,

જ્ઞાનના પ્રકાશનો ઘટોઘટ વાસ છે …. રસનાનું ૮

રસનાનું રટણ ગિરધર ગોપાળ છે,


॥ ૐ ॥