॥ ૐ ॥
(સંવત ર૦૩૪, મહા વદ ૧૪ બુધવાર)
(મહાશિવરાત્રી, ઉંમરગામ)
: રાસ :
પ્રભુ તારી સાથે, રાસમાં રમવું છે
મારા પ્રાણને, તારી સાથે ઊડવું છે …. ટેક
મારા પ્રાણથી પ્યારા, પ્રભુ એક જ છે
એની પ્રેરણા સમજ, મારે રાખવી છે …. ૧
તારા રંગમાં રંગાવું, મારી આખડી છે
તારી રક્ષામાં સાચી, મારી રાખડી છે ….ર
હૃદય દિવ્ય બનાવ, પ્રેમ ભરવો છે
જ્યોતિ તારી, અખંડ મારી આંખડી છે ….૩
બુદ્ધિ સાફ રહે, રમતા તારી ભરવી છે
તારી કળા મારા, પ્રાણની શક્તિ છે ….૪
મારી નસ, નસમાં, લોહી તારું ભરવું છે
પ્રભુ તારી ભક્તિ, અખંડ કરી તરવું છે ….પ
રાત-દિન પ્રભુ, પ્રાણને પ્રીતિ જ છે
તારા સાથે રહેવું, દિલની મરજી છે ….૬
મારા સાચા હૃદયની, એક અરજી છે
મારા તારાનો ભેદ ભૂંસી નાખવો છે ….૭
પ્રભુ લક્ષમાં એક જ નિત્ય રાખવો છે
નિત્ય સ્વાદ પ્રભુનો, ચાખવો છે ….૮
મારો દિલનો દાતાર, પ્રભુ એક જ છે
દિલ આપી, દિલ વિનાનો દીવાનો છે ….૯
મારે ચડવું-પડવું, પ્રભુના હાથમાં છે
મારા જ્ઞાન ધ્યાનમાં, પ્રભુ સાથમાં છે ….૧૦
॥ ૐ ॥