આવો ગિરધર ગોપાળ પધારો પ્રેમથી

॥ ૐ ॥

       (મીરાંએ કરુણાથી ગાયેલું સમષ્ટિના હિતનું ભજન)

(ભજન) ૧પ


આવો ગિરધર ગોપાળ પધારો પ્રેમથી …. હો   જી ….

જગમાં કણ ભાસે સુખ, ઉપાડે મણ જેટલું દુઃખ,

રાખતા સંસાર સામે મુખ, એમાં ભાંગે નહિ ભૂખ,

જગની ચીજા વધારે, ખોટી એવી વાસના …. હો   જી ….૧

ગિરધર ગોપાળ સુખનું ધામ, મંગળ કરવાનું કામ,

સમજ રાખે તો ઠરવાનું ઠામ, ધન ને ધરાનું ધામ,

ધન ને ધરા નહિ આવે, કોઈની સાથમાં …. હો   જી ….ર

સત્તાને ગર્વનું સામ્રાજ્ય, હૃદયે ગર્વથી ફુલાય,

એમાં પ્રભુ ઢંકાઈ જાય, બુધ્ધિનો કચરો ભેળો થાય,

હાથે કરીને ફસાતા, ઊંડા મોહમાં …. હો   જી …. ૩

અખંડ પ્રકાશ ગિરધર ગોપાળ રાખતા સૌની સંભાળ,

ડરતો કાળ મહાન વિકરાળ, રક્ષક ગિરધર ગોપાળ,

મીરાંની સુરતા રહે છે, એના જ ધ્યાનમાં  …. હો   જી ….૪

માનો તો મનાવી કહું, નહિતર ચૂપ થઈને રહું,

પ્રગટ પ્રભુને વાત કહું, હૃદયમાં પ્રભુને જ રાખ,

પ્રેમનો અખૂટ ખજાનો, ગિરધર ગોપાળનો …. હો   જી …. પ

વિરહ અગ્નિમાં થવું રાખ, ગિરધર ગોપાળની શાખ,

પ્રેમનો પ્રસાદ પ્રભુનો ચાખ, હૃદયમાં પ્રભુને જ રાખ,

પ્રેમથી પ્રભુજી મળશે, પ્રેમના તારમાં …. હો   જી …. ૬

જગની ખોટી સાચી વાતો, રસ એનો વધતો જાતો,

આંધળી દોટ માર્ગ ચુકાતો, પ્રભુનો પ્રેમ ભુલાતો,

વધતાં જન્મને મરણ, ઊંધા ચાલતા …. હો   જી ….૭

પ્રભુનો માર્ગ સીધો સટ, પ્રેમના એક જ તારથી રટ,

રાગદ્વેષની મૂકો ખટપટ, પ્રભુ આવે ઝટપટ,

પ્રભુના બને તો આવે, અમીના ઘૂંટડા …. હો   જી …. ૮

મીરાં તો કહેવાનું કહી દેય, સમજુ સમજી લેય,

સત્યમાં જીવનનું શ્રેય , ગિરધર ગોપાળ સાક્ષી દેય,

રહેવું સદાય મીરાંને, પ્રભુના પ્રેમમાં  …. હો   જી ….૯


॥ ૐ ॥